Monday, July 7, 2014

માણો 5 પ્રકારની ચટાકેદાર-મસાલેદાર 'ગ્રીલ સેન્ડવિચ'નો સ્વાદ!

આજે અમે તમારી માટે લઈને આવીઆ છીએ 5 પ્રકારની ટેસ્ટી ગ્રીલ સેન્ડવિચની રેસિપી. બાળકો અને યુવાનો બંન્નેને નાસ્તામાં સેન્ડવિચ ભાવતી હોય છે. બનાવવામાં સહેલી અને બહુ ઓછા સમયમાં તૈયાર પણ થઈ જાય છે. વધુમાં તેમાં આવતાં લીલાં શાકભાજીના કારણે પૌષ્ટિક પણ છે. પરંતુ આખો દિવસ વેજ સેન્ડવિચ કે આલુમટર સેન્ડવિચથી બાળકો કંટાળી જાય છે, તેથી તેમાં પણ વિવિધતા મળે તો નાના-મોટા બધા ખુશ થઈ જાય છે. એટલે જ આજે અમે તમારા માટે 5 જાતની વિવિધ સેન્ડવિચની રેસિપી લાવ્યા છીએ, જે મળતાં જ ઘરમાં ખુશ થશે બાળકો અને મોટેરાં સૌ. તો આજે જ ટ્રાય કરજો તમે પણ આ મસાલેદાર-ચટાકેદાર ગ્રીલ સેન્ડવિચને તમારા રસોડે.



આલુ-છોલે સેન્ડવિચ-
સામગ્રી- 
-1 મોટી સેન્ડવીચ બ્રેડ
-1/2 કપ કાબુલી (છોલે) ચણા
-1 મોટો બાફેલો બટાકો
-2 ડુંગળી ઝીણી સમારેલી
-2 ઝીણા સમારેલા ટામેટાં
-2 ઝીણા સમારેલા લીલા મરચાં
-1 ટી સ્પૂન છીણેલું આદું
-2 ટેબલ સ્પૂન તેલ
-2 ટેબલ સ્પૂન બટર
-11/2 ટેબલ સ્પૂન છોલે મસાલો
-1/8 ટી સ્પૂન હળદર
-મીઠું સ્વાદાનુસાર

રીત-
સૌપ્રથમ કાબુલી ચણાને આઠથી દસ કલાક પલાળવા. કૂકરમાં પલાળેલા ચણા સાથે મીઠું, હળદર, અડધી માત્રા ડુંગળીની લઇ જરૂર પૂરતું પાણી રેડી 6 વ્હીસલે ચણા બાફવા. બફાયેલા ચણાનું વધારાનું પાણી નીતારી અલગ રાખવું. ચણા સ્મેશ કરી તેમાં બટાકાનો માવો ઉમેરવો. નોન-સ્ટીક કડાઇમાં તેલ આકરા તાપે ગરમ કરી બાકી રહેલા કાંદા ઉમેરી સાંતળવા. લીલાં મરચાં અને ટામેટાં ઉમેરવા. ચણાનું નીતારેલું પાણી એકાદ ટે.સ્પૂન જેટલું નાંખી ટામેટાં થવા દેવા. તૈયાર થયેલ ગ્રેવીમાં આલુ-છોલે, તેનો મસાલો, સ્વાદ મુજબ મીઠું અને છીણેલું આદું ઉમેરી બરાબર હલાવી લેવું. વધારાનું પાણી બળી જાય અને મસાલા સાથે છોલેનું મિશ્રણ એકરસ થાય એટલે ગેસ ઉપરથી ઉતારી લેવું. મોટા કપ અથવા વાડકીથી બ્રેડ સ્લાઇસીઝ ગોળ કાપવી. દરેક સ્લાઇસ ઉપર બટર ચોપડવું. તૈયાર કરેલ આલુ-છોલેનું સ્ટફિંગ બે સ્લાઇસીઝ વચ્ચે પાથરવું. સેન્ડવીચ ટોસ્ટરમાં બટર લગાડી સેન્ડવીચ ટોસ્ટ કરવી. ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરવી.



ગ્રીલ ચીઝ સેન્ડવિચ-
સામગ્રી-
-8 નંગ બ્રેડની સ્લાઈસ
-1 કપ ખમણેલ ચીઝ
-8 થી 10 ચમચી ટોમેટો સોસ
રીત-
સૌપ્રથમ બ્રેડની સ્લાઈસ કરી તેની કિનારી દૂર કરવી. ત્યાર બાદ તેમાં ખમણેલ ચીઝ સ્પ્રેડ કરવું અને ટોમેટો સોસ લગાવો અને ટોસ્ટરમાં અથવા ઓવનમાં સેન્ડવીચ બે મિનિટ માટે ગ્રીલ કરવી. ગરમ-ગરમ ગ્રીલ ચીઝ સેન્ડવીચની મજા માણો.



ક્લબ સેન્ડવિચ-

સામગ્રી-
-2 પેકેટ સેન્ડવિચ બ્રેડ
-250 ગ્રામ માખણ
સોસ માટે-
-250 ગ્રામ ટોમેટો પલ્પ
-7 કળી લસણ
-1 ટી સ્પૂન ખાંડ
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-મીઠું સ્વાદાનુસાર
પૂરણ માટે-
-250 ગ્રામ તુવેરના લીલવા
-250 ગ્રામ બટાકા
-4 નંગ લીલા મરચાં
-1 કટકો આદું
-1 નાની ઝૂડી કોથમીર
-2 ટેબલ સ્પૂન નારિયેળનું ખમણ
-1 ટી સ્પૂન તલ
-1 ટી સ્પૂન લવિંગનો ભૂકો
-1 ટી સ્પૂન મરીનો ભૂકો
-1 ટી સ્પૂન જીરૂંનો ભૂકો
-1 ટી સ્પૂન તજ પાવડર
-1 નંગ લીંબુ
-મીઠું સ્વાદાનુસાર
-ખાંડ
-તેલ
-હીંગ
ગાર્નીશિંગ માટે-
-1 કિલો દહીં
-2 નંગ કેપ્સિકમ
-અખરોટના ટુકડા
-ખાંડ
રીત-
સૌપ્રથમ ટામેટાંના પલ્પમાં મીઠું, લાલ મરચું, ખાંડ નાખી ગરમ કરવું. તેમાં વાટેલું લસણ નાખી સોસ તૈયાર કરવો. ત્યાર બાદ તુવેરના લીલવા(સિઝન ન હોય તો તમે લીલા વટાણા પણ લઈ શકો છો)ને વાટી લેવા. બાટેકાને બાફી લેવા. માવો બનાવવો. હવે એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાંથી હીંગ નાખીને પાંચથી સાત સેકન્ડ માટે સાંતળીને તેમાં વટાણાનો ભૂકો વગારવો. તેમાં મીઠું નાખીને ધીમા તાપે ચઢવા દેવો. વટાણાં ચઢી જાય એટલે તેમાં બટાકાનો માવો, આદું-મરચાંની પેસ્ટ, તલ, નારિયેળનું ખમણ, ખાંડ અને તજ-લવિંગ-મરી-જીરૂંનો ભૂકો નાખીને બરાબર મિક્ષ કરી લેવુ. છેલ્લે બધો જ મસાલો અકરસ થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખીને બરાબર મસળીને પૂરણ તૈયાર કરી લો. ગાર્નિશીંગ માટેની સામગ્રીમાં જે દહીં છે તેને એક કપડામાં બાંધી દેવુ. બધું પાણી નીતરીને મસ્કો તૈયાર થઈ જાય એટલે કપડામાંથી કાઢીને તેમાં મીઠું અને ખાંડ નાખી, વલોવી, મસ્કો તૈયાર કરવો. કેપ્સિકમને બારીક કતરણ કરી લેવી. અખરોટના પણ બારીક ટુકડા કરી લેવા. હવે બ્રેડની એક સ્લાઈસ લઈ તેના પર ટામેટાનો સોસ લગાડવો. તેના પર લીલવા-બટકાનો માવો મૂકવો. પછી તેના પર બ્રેડની બીજી સ્લાઈસ મૂકવી. તેના પર તૈયાર કરેલી ચટણી લગાડવી. તેના પર ફરીથી એક બ્રેડની સ્લાઈસ મૂકવી. હાથથી બરાબર ત્રણ સ્લાઈસ ભેગી દબાવી દેવી. જેથી મસાલો ચોંટી જાય, પછી તવા પર માખણ લગાવી, સેન્ડવિચને બંન્ને બાજુથી ગ્રીલ કરી લેવી. ગરમા-ગરમ સેન્ડવિચને તીખી અને ગળી ચટણી સાથે સર્વ કરો.


પાલક પનીર ગ્રીલ સેન્ડવિચ-
સામગ્રી-
-8 નંગ બ્રેડ સ્લાઈસ
-400 ગ્રામ પાલક ઝીણી સમારેલી
-2 ટેબલ સ્પૂન માખણ
-100 ગ્રામ પનીર
-1 ટેબલ સ્પૂન મકાઈના દાણા
-1/2 નાની ચમચી મીઠું
-1/4 નાની ચમચી મરીનો પાઉડર અથવા સફેદ મરચાનો પાઉડર
-1 નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર
-2 નાની ચમચી લીંબુનો રસ
રીત-
સૌપ્રથમ પાલકના પાનને પાણીમાં ડૂબાડી દેવા અને બે વખત પાણીથી સારી રીતે ધોઈને સાફ કરવા. ધોયેલા પાનને ચારણીમાં અથવા થાળીમાં રાખી અને વાસણને ઊભું ત્રાંસુ ગોઠવવું, જેથી પાલકમાં રહેલ વધારાનું પાણી બહાર નીકળી જાય. હવે આ પાલકના પાનને બારીક સમારી લેવા. એક કડાઈમાં ૨ નાની ચમચી માખણ નાંખી ગરમ કરવું. માખણમાં સમારેલી પાલકના પાન, સ્વીટ કોર્ન, મીઠું અને કાળા મરીનો પાઉડર નાંખી અને મિક્સ કરવો. પાલકના પાનને ઢાંકી અને ૨-મિનિટ ચઢવા દેવા. ઢાંકણું ખોલી અને પાલકમાંથી નીકળેલું પાણી પૂરું બળી ના જાય ત્યાં સુધી પાલકને ચઢવા દેવી. ત્યાર બાદ, આ પાલકના શાકમાં પનીરને છીણીને નાખવું. ત્યાર બાદ, શેકેલું જીરૂ અને લીંબુનો રસ નાંખી દેવો. અને બધીજ વસ્તુને સારી રીતે મિક્સ કરવી. બસ સેન્ડવીચનું મિશ્રણ તૈયાર છે. આ મિશ્રણના એક સરખા ૪ ભાગમાં વહેંચી દેવું. હવે બે બ્રેડની સ્લાઈઝ લેવી તેની અંદરના ભાગમાં આછું માખણ લગાવું. એક બ્રેડમાં જ્યાં માખણ લગાડેલ છે તેની ઉપર મિશ્રણનો એક ભાગ મૂકીને મિશ્રણને બ્રેડ ઉપર એક સરખું ફેલાવી દેવું. ત્યાર બાદ, બીજી માખણ લગાડેલ બ્રેડને તેની ઉપર ઢાંકી અને હાથેથી થોડું દબાવી પેક કરવી. આજ રીતે બીજી સેન્ડવીચ પણ તૈયાર કરવી. સેન્ડવીચ ટોસ્ટરમાં સેન્ડવીચ રાખી અને ગ્રીલ કરવા મૂકવી. ૩-૪ મિનિટમાં લગભગ સેન્ડવીચ ગ્રીલ થઇ જશે. સેન્ડવીચ બહાર કાઢી અને પ્લેટમાં ગોઠવવી. આજ રીતે બીજી સેન્ડવીચ, સેન્ડવીચ ટોસ્ટરમાં રાખી, ગ્રીલ કરી કાઢી લેવી અને પ્લેટમાં ગોઠવવી. પાલક પનીર સેન્ડવીચ તૈયાર છે. ગરમા ગરમ પાલક પનીર સેન્ડવીચ લીલી કોથમીરની ચટણી, અને ટામેટા કેચપ સાથે પીરસવી.





પીઝા સેન્ડવિચ-

સામગ્રી- 
-6 નંગ સેન્ડવીચ બ્રેડ
-3 ટેબલ સ્પૂન પીઝા સોસ
-2 ક્યુબ ચીઝ
-100 ગ્રામ પનીર
-100 ગ્રામ ડુંગળી
-100 ગ્રામ કેપ્સીકમ
-100 ગ્રામ ટામેટા
-2 ટી સ્પૂન મરી પાવડર
-1 ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
-1 ટી સ્પૂન ઓરેગાનો
-1 ટી સ્પૂન તેલ
-બટર જરૂર પ્રમાણે
-મીઠું સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ ડુંગળી, પનીર અને કેપ્સીકમના નાના-નાના ટુકડા કરી લો. ડુંગળી, કેપ્સીકમ અને પનીરને એક બાઉલમાં લઇ તેમાં મીઠું પોણી ચમચી મરી પાવડર અને પોણી ચમચી તેલ નાખી ૧૦ મિનીટ માટે મેરીનેટ કરો. આવી જ રીતે ટામેટાના પણ નાના ટુકડા કરી તેને અલગ બાઉલમાં મૂકી તેમાં પા ચમચી તેલ, પોણી ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને પણ ૧૦ મિનીટ માટે મેરીનેટ કરો. હવે એક નોન સ્ટીક પેનમાં ડુંગળી, પનીર અને કેપ્સીકમ નાખી શેકી લો. બે મિનીટ પછી ટામેટા નાખો. ટામેટા નાખીને તરત જ ગેસ બંધ કરી લો. જેથી ટામેટા પોચા ન પડી જાય. સૌપ્રથમ ૩ સ્લાઈસ બ્રેડ લઇ તેની બંને બાજુ બટર લગાવી લો. હવે એક સ્લાઈસ પર પીઝા સોસ લગાવી તેની પર એક ક્યુબ ચીઝ છીણી લો. ત્યાર બાદ તેના પર બીજી સ્લાઈસ બ્રેડ મૂકી દો. હવે તેના પર મેરિનેટ કરી અને શેકેલા પનીર, કેપ્સીકમ, ડુંગળી અને કેપ્સીકમ મૂકી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી તેની પર ત્રીજી સ્લાઈસ બ્રેડની મૂકી દો. આવી જ રીતે બીજી સેન્ડવીચ તૈયાર કરી દો. તૈયાર સેન્ડવીચને ગ્રીલરમાં મૂકી ગ્રીલ કરી લો. ગ્રીલ થઇ જાય એટલે બહાર કાઢી કટ કરી સોફ્ટ ડ્રીંક સાથે સર્વ કરવું.

0 comments:

Post a Comment